બ્રિજેશ દોશી, અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે આવી રહેલી પેટા ચૂંટણીઓ જીતવા ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભાજપે આ કવાયત શરૂ કરી છે.
કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો શનિવારે ભાજપમાં જોડ્યા બાદ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી. વર્ષ 2019 માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ આજે 7 મહિના બાદ આ બેઠક મળી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આ બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં જિલ્લા પ્રમાણે સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મંત્રીઓની વાત કરવામાં આવે તો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, આર સી ફળદુ, સૌરભ પટેલ, ગણપતસિંહ વસાવા, કુંવરજી બાવળિયા, પ્રદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઈશ્વર પટેલને જુદા જુદા જિલ્લાની જવાબદારી આપવામાં આવશે.
આ સાથે પ્રદેશના મહામંત્રીઓ, ઉપાધ્યક્ષ અને સિનિયર નેતાઓને પેટાચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે. આ મંત્રીઓની સાથે-સાથે પ્રદેશના નેતાઓને પણ જવાબદારી સોંપાશે એક મંત્રી અને બે પ્રદેશના નેતાઓ સાથેની એક ટીમ તૈયાર કરવામાં આવશે જેમને વિધાનસભાની બેઠક પ્રમાણેની જવાબદારી આપવામાં આવશે.
આ તમામ 8 બેઠકો કોંગ્રેસ પાસે હતી ત્યારે તેમાંથી વધુમાં વધુ બેઠકો જીતવાનો ભાજપનો પ્રયાસ છે. ભાજપ વિધાનસભામાં પોતાનું સંખ્યા બળ વધારવા માટે વધુમાં વધુ બેઠકો જીતવા માગે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે